યહોવાએ કહ્યું, “તમે જરા વિદેશીઓ તરફ નજર કરો અને જુઓ, તો તમે વિસ્મય પામશો, કારણકે તમારા જમાનામાં જ હું એવું કઇંક કરી રહ્યો છું, જે તમને કહ્યું હોય પણ તમે માનો નહિ.
જગતમાં હું એક નવું કાર્ય સ્થાપી રહ્યો છું, એટલે કે ખાલદીઓ જે-ક્રૂર અને હિંસક પ્રજા છે, તેઓ તેમની માલિકીના ન હોય તેવા સ્થળો કબજે કરવા પૃથ્વીના છેડા સુધી જશે.
તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભય અને આતંક ફેલાવે છે; તેઓનો ગર્વ અને ન્યાય તેઓની અંદરથી જ આવે છે, તેમના ઘોડાઓ ચિત્તા કરતા વધુ વેગવાન છે અને સાંજના વરૂઓ કરતાં વધારે સજાગ છે.
“અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે.
“હે મારા દેવ યહોવા, મારા પરમ પવિત્ર દેવ, તું અનાદિ અને અમર છે. અમે માર્યા જવાના નથી, તમે શિક્ષાને માટે તેનું નિર્માણ કર્યું છે. અને હે મારા યહોવા, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.
તમારી આંખો એટલી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઇ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી શા માટે તમે એ અપ્રામાણિક લોકોને જોઇ રહ્યાં છો. અને દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે મૂંગા રહો છો?